રાજ્યમાં હળવા વરસાદની આગાહી

આજથી શિવભક્તિનો મહાઉત્સવ એવા પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટશે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેમાં રહેવા, જમવા, પાર્કિંગ, પૂજા, મંત્રજાપની સુવિધાઓથી લઈ ઓનલાઇન દર્શન અને પૂજા તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સહિતની અનેકવિધ સુવિધાઓમાં શ્રાવણ માસમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, શંખ સર્કલથી સોમનાથ આવતા માર્ગને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા હેઠળ વન વે કરવામાં આવ્યો છે. આવનાર વાહનો પાર્કિગમાંથી પાછળના ભાગે સદભાવના ગ્રાઉન્ડ તરફના માર્ગ પરથી બહાર નીકળશે. પાર્કિંગમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જ્યાંથી લોકોને સૂચનાઓ તેમજ મંદિર સુધી જવા માટે નિ:શુલ્ક વાહન વ્યવસ્થા કરી આપવામાં આવશે.

રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘરાજા હળવા મૂડમાં મહેરબાન થશે. આજથી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સોમનાથ અને કચ્છમાં પણ આજે હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં હાલ કોઈ પણ પ્રકારની ભારે વરસાદની સંભાવના નથી. જો દરિયાકિનારાની વાત કરીએ તો માછીમારો માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

રાજ્યમાં ચાર લાઈન ટ્રેક બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે સાત જેટલા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. રૂ. 32,500 કરોડના આ સાત પ્રોજેક્ટમાં ગુજરાતમાં એક પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ વાર ચાર લાઈન ટ્રેક બનાવવામાં આવશે. કચ્છના સામખયાળીથી ગાંધીધામ સુધી રૂ. 1571 કરોડના ખર્ચે ચાર લાઈન ટ્રેક નાખવામાં આવશે. ચાર લાઇન ટ્રેક થવાથી ગુજરાતના બંદરોનો સર્વાંગી વિકાસ થશે અને ઝડપથી માલસામાન અને પેસેન્જરની સુવિધામાં વધારો થશે.અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર સુધીરકુમાર શર્માએ જણાવ્યું હતું કે, આજે કેન્દ્રીય કેબિનેટ દ્વારા રેલવેના મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ ડિવિઝનમાં સામખયાળી-ગાંધીધામ રેલવે ટ્રેક હવે ચાર લાઈન ટ્રેક બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા 1571 કરોડના ખર્ચે ચાર લાઈન ટ્રેક બનશે. સામખયાળી સુધી બે લાઈન આવે છે. જેમાં એક લાઈન અમદાવાદથી વિરમગામ થઈ અને કચ્છ તરફ અને બીજી લાઈન પાલનપુર તરફથી સામખયાળી સુધી આવે છે. જોકે સામખયાળીથી ભુજ-ગાંધીધામ તરફ હાલમાં ડબલ ટ્રેક છે.

ક્રિકેટ રસિયાએ રિયલ ડાયમંડનું બેટ તૈયાર કરાવડાવ્યું
ભારતમાં ક્રિકેટની દીવાનગી આસમાને છે. લોકો ક્રિકેટને ધર્મ માને છે અને ક્રિકેટરને ભગવાનનું બિરુદ આપે છે. ક્રિકેટ રસિકો પોતાની ક્રિકેટ પત્યેની દીવાનગી અલગ અલગ રીતે વ્યક્ત કરતા આવ્યા છે. ત્યારે સુરતના એક ક્રિકેટ રસિકે તો પોતાનો ક્રિકેટ પ્રેમ દર્શાવવા રિયલ ડાયમંડનું બેટ જ તૈયાર કરાવડાવી દીધુ છે.લેકસસ ટેકનોમિસ્ટ ડાયમંડ મેન્યુફેક્ચરર કંપનીએ આ બેટ 1.04 કેરેટના રિયલ ડાયમંડમાંથી તૈયાર કર્યું છે. આ રિયલ ડાયમંડના બેટની સાઇઝ 11 મિમિ બાય 5 મિમિ છે. રિયલ ડાયમંડને બેટનું સ્વરૂપ આપનાર કંપનીના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ હીરો સિંગલ પીસ છે અને કુદરતી છે. તેને ક્રિકેટ બેટનો આકાર આપવામાં આવ્યો છે. 1.04 કેરેટ કુદરતી હીરાને બેટ તરીકે કટિંગ અને પોલિશ કરવામાં આવ્યો છે. આ હીરાના બેટને દરેક ખૂણાએથી પોલિશ કરવામાં આવ્યું છે. આ રિયલ ડાયમંડ છે એ સ્પષ્ટ થાય તે માટે તેનાં વ્યૂહાત્મક ક્ષેત્રોને જાણી જોઈને હીરાના સ્કીન જાળવી રાખ્યા છે. આ બેટ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું છે. રિયલ ડાયમંડથી બેટ બનાવવા માટે અગાઉ એક કેરેટ નેટ બનાવવાની હતી. જોકે તે શક્ય નહીં રહેતા ટેક્નિકલ કારણસર 1.04 કેરેટનું આ બેટ તૈયાર કરવામાં આવ્યું છે. એક મહિનાની મહેનત બાદ આ રિયલ ડાયમંડને બેટના રૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ખેડૂતોએ ન્યાયયાત્રા સમેટી લીધી
બનાસકાંઠાના દિયોદર ખાતે અટલ ભુજલ યોજનામાં કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્યના સમર્થકે ખેડૂત અગ્રણીને લાફો માર્યો હતો. જેના વિરોધમાં ખેડૂતોએ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે ગાંધીનગર સુધી ન્યાયયાત્રા શરૂ કરી હતી. છઠ્ઠા દિવસે મહેસાણાના ગોઝારીયા ખાતે યાત્રા પહોંચી હતી. જોકે, અહીં પોલીસ કાફલો ખડકી દેવાતાં જ ખેડૂતો ભડક્યા હતા. પોલીસ દ્વારા અમરા ચૌધરી સહિતના ખેડૂતોને ગાંધીનગર લઇ જવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ખેડૂતો એ હાલ પૂરતી ન્યાયયાત્રા સમેટી લીધી છે.જો આગળ જતા આ મુદ્દે કોઈ યોગ્ય ન્યાય નહીં મળે તો ફરી આંદોલન શરૂ કરીશું એવું પણ અમરા ચૌધરીએ જણાવ્યું હતું

સુરતની 27 ડાયમંડ કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ
ડાયમંડ સિટી સુરતમાંથી હીરા વેપારીઓ માટે ચોંકાવનારી સમસ્યા આજે સામે આવી છે. તેલંગાણા અને કેરલા જેવા રાજ્યોની ડાયમંડની મોટી કંપનીમાં ખોટી રીતે રૂપિયા ટ્રાન્સફર કરાયા બાદ સાયબર ક્રાઈમની ફરિયાદને આધાર બનાવી 25 લાખથી વધુના ટ્રાન્જેક્શન ધરાવતી મોટી કંપનીઓના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. જેને લઇ સુરતની 27 જેટલી ડાયમંડ કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે. જેથી ડાયમંડ તેમના દ્વારા થતાં કરોડોના વ્યવહારો ખોરવાયા છે. કોઈ કારણ વગર બેંક એકાઉન્ટ તપાસનો આધાર બનાવી ફ્રીઝ કરી દેવાતા કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. ત્યારે કંપનીઓએ આ અંગે દેશમાં કાયદાનો દુરુપયોગ કરીને મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરી છે અને પોતાના બેંક એકાઉન્ટ મુક્ત થાય તે માટે સુરત પોલીસને મદદગાર થવા રજૂઆત કરી છે. ઉપરાંત વેપારીઓમાં ફાટી નીકળેલા રોષને લઈ મોટા કૌભાંડની તપાસ થાય તે માટે સીબીઆઇ તપાસ થાય તેવી આશા વ્યક્ત કરી છે.

જ્વેલર્સને લૂંટવા આવેલો શખ્સ આર્મી મેન નિકળ્યો
અમદાવાદમાં બંદૂકની અણીએ જ્વેલર્સને લૂંટવા આવેલો શખ્સ આર્મી મેન નિકળ્યો.અમદાવાદમાં એક શખસે જ્વેલર્સ-શો રૂમમાં જઈને બંદુક બતાવી લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, પ્રયત્ન સફળ ન થતાં આ શખસ લોકોના ડરથી ભાગી રહ્યો હતો. આ શખસ જાહેરમાં રોડ પર બંદુક બતાવી લોકોને ડરાવી ભાગી રહ્યો હતો. લોકોથી બચવા શખસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લોકોએ પકડીને શખસને પોલીસને સોંપી દીધો હતો. મણિનગર પોલીસે શખસ સામે હત્યાનો પ્રયાસ,લૂંટનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસે જ્યારે આ શખસની પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું હતું કે, આ શખસનું નામ લોકેન્દ્ર શેખાવત છે. તે ટેરીટોરિયલ આર્મીમાં ફરજ બજાવે છે. અત્યારે તેનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં છે. તે છેલ્લા એક મહિનાથી રજા પર છે. આરોપી પાસેથી આર્મીનું આઇડી કાર્ડ પણ મળી આવ્યું છે. આ ઉપરાંત તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી છે. જે કબ્જે કરવામાં આવી છે. આરોપી મૂળ રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે.